Sunday, January 24, 2010

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના ...

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના

- અમૃત ઘાયલ

2 comments:

chinmai said...

bahu saras.. liked this one : એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

Kanan said...

છેલ્લી પંક્તિ માં તો ખરેખર sixer મારી!