Wednesday, June 11, 2008

એક એવી સફરમાં છું !!!!

કેમ લાગે છે કે સફરમાં છું?
હું તો મારા જ ખુદના ઘરમા છું.

પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.

રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .

મારા હાથે હું તોડી રાજમહેલ,
સાવ ખંડેર જેવા ઘરમાં છું.

ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
ભરવસંતે હું પાનખરમાં છું.

માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી સફરમાં છું.

Monday, June 2, 2008

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે !!!

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે;
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે;
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

- અમૃત ‘ઘાયલ’