Thursday, April 17, 2008

એક ટૂકીં વાર્તા

સાંજના પાંચ વાગ્યા હતા અને હસિત રોજ ના ક્રમ મુજબ દોસ્તારો સાથે નોકરીએ થી પાછો આવતી વખતે ચા ની લારીએ ઉભો રહ્યો. આજે રામજીભાઇ ની લારી બંધ હતી એટલે બાજુની ગલીમાં લારી હતી ત્યા જવાનું નક્કી કર્યું. કાયમની ટેવ મુજબ બધાએ પોત-પોતાને પસંદ પડે એવી ચા મંગાવી - કડક, મીઠી, ગરમા-ગરમ.

થોડી વાર થઇ ને એક છોકરો આવી ને ચા આપી ગયો. હસિત બસ એની સામે જોઇ જ રહ્યો. એને લાગ્યું કે એણે એને પહેલા ક્યાંક જોયો છે. દોસ્તારો સાથે ચાલી રહેલ હસીં મજાકમાં એનું મન ન લાગ્યું... બસ વિચાર કરતો રહ્યો કે એણે એને ક્યાં જોયો હોઇ શકે.

મન વિચારોના ચગડોળે ચઢ્યું... ત્યાં એને યાદ આવી ગયું "અરે! આ તો ગીજુભાઇ ના ચોક પાસે રહેતો એ રાજુ! પણ એ અહિયા કેવી રીતે હોય? ઘરથી આટલે દૂર? ક્યાં રાજકોટ અને ક્યાં અમદાવાદ! આટલા વર્ષે... મને બસ એવો ભાસ થયો હશે બે ઘડી માટે? પણ એ લાગે છે તો રાજુ જ" છેવટે એનાથી ન રહેવાયું એટલે થોડી વારે પેલો ફરી થી પોતાની તરફ આવતો હતો ત્યારે એને ઇશારો કરી ને બોલાવ્યો અને ધીમે થી એનું નામ પુછ્યું. પેલા એ થોડું અકળાઇને કહ્યું "ચમન"... એટલે હસિત કહે "ચમન? રાજુ નહિ? તુ તો રાજુ જ લાગ્યો મને પહેલા... રાજકોટ યાદ નથી? આપણે ગીજુભાઇ ના ચોક માં સાથે રમતા... યાદ નથી આવતું?" ચમન થોડો ભોઠોં પડી ગયો અને વધુ અકળાઇ ને બોલ્યો "હુ કોઇ રાજુ કે ગીજુભાઇ ને નથી ઓળખતો અને મે કોઇ દિવસ રાજકોટ જોયું નથી." આમ બોલી તે માથું ધુણાવતો પોતાના કામે વળગ્યો અને બીજા ઘરાક માટે ચા નો ઓર્ડર લેવા જતો રહ્યો.

હસિત બસ એને એકીટસે જોઇ રહ્યો. વિચાર કરતો રહ્યો કે આ રજુ કેમ ખોટુ બોલે છે? બાકી ભાઇબંઘ-દોસ્તારો ચા પતાવી ઘર તરફ રવાના થવાની તૈયારી માં હતા પણ હસિત નું મન રાજુ ને ફરી થી એક નજર જોવાનુ હતું, એની સાથે વાત કરવાનું હતું. "ઘરથી આટલે દૂર કોઇક ઘરની નજીક રહેતું મળે તે કેવું લાગે તે તો જેને ઘરથી દૂર રહેવું પડે એને જ ખબર હોય ને", એણે વિચાર્યું. પછી જતા જતા થોડો આડો થઇ ને લારી ની પાછળ રાજુ... એટલે કે ચમન ને શોધવા નજર કરી.

ચમન ક્યાંય ન દેખાયો એટલે પોતાનો બગલથેલો ખભે નાંખી ચાલવા લાગ્યો. વિચારો માં મગ્ન... મનોમન રાજકોટમાં ગીજુભાઇના ચોકમાં બધા છોકરાવ સાથે રમવા લાગ્યો. "વર્ષો ના વ્હાણા ક્યાં વિતી ગયા ખબર ન પડી."

થોડા ડગલા ચાલ્યો હશે ને ત્યાં તો ચમન આવ્યો, દોડતો, આંખો માં આંસું... એટલો ગળગળો થઇ ગયો હતો કઇ બોલી નો શક્યો. એને ગળામાં ડૂમો ભરાઇ ગયો. માંડ માંડ બોલી શક્યોઃ "હસિત્ભાઇ! હું... રાજુ... છું... પણ તમને ખબર કેવી રીતે પડી???" એને બહુ નવાઇ લાગી.

હસિત હસી પડ્યો, મનમાં એને ઘણો આનંદ થતો હતો જૂનો દોસ્ત મળ્યો, તે પણ આટલા વર્ષે અને આટલે દૂર. પછી એના ચહેરા પર નાનુ એવું સ્મિત રેલાયું અને ઘડીના છઠ્ઠા ભાગમાં રાજુ નો રડતો ચહેરો પોતાની સમક્ષ જોઇ જતું રહ્યું. પોતાની યાદશક્તિ સારી હશે એમ કહી એણે રાજુ ને વાત કરવા દીઘી. રાજુ હવે થોડો સ્વર્થ થયો હોઇ એના અવાજમાં પણ જાણે એક રણકો હતો કે જાણે કોઇક પોતાનું મળે ત્યારે આપણે અનુભવિયે.

રાજુએ પોતે રાજકોટ છોડ્યા ને કેટલા વર્ષો થઇ ગયાની વાત કરી અને પછી પોતે ઘણો ઉદાસ થઇ ગયો. બોલ્યોઃ "હસિત્ભાઇ, એક વાર ઘર છોડો ને પછી પાછું જવું કેટલું મુશ્કેલ છે તે મને જ પૂછો. ઘરે બધા સાથે ઝગડો કરી ને, ગુસ્સામાં ને ગુસ્સામાં ઘર તો છોડી દીધું પણ પછી શું થશે એનો ક્યારેય વિચાર નોહ્તો કર્યો. અને હવે ઘર માં બધાને શું મોઢું દેખાડું પાછા જઇને? કે હું જ ખોટો હતો? મારો ઘમંડ મને એવું નથી કરવા દેતો. મારી તો બધા ને એ જ સલાહ છે કે કોઇ દિવસ ઘરવાળા લોકો સાથે ગમે તેટલો ઝગડો કરો પણ ક્યારેય ભૂલમાં પણ ઘર નહિ છોડતા. કેમકે ઘર છોડ્યા પછી પાછું ઘરે જવું લાગે છે એટલું સહેલું નથી. અને બસ જોવો આજે અહિયા નોકરી કરું છું અને ગુજરાન ચાલે છે પણ ઘર પણ ઘણું યાદ આવે પણ શું કરી શકું? બસ જીંદગી ચાલ્યે જાય છે. કોઇ જૂના લોકોની વાત યાદ કરાવે તો ન ગમે કેમકે ઘર બહુ યાદ આવે છે, અને તમે જ્યારે રાજુ કહી ને બોલાવ્યો ત્યારે હુ ગભરાઇ ગયો કે આ મને કેમ ઓળખે? અને પછી મારા થી ન રહેવાયું... ઘર બહુ યાદ આવી ગયું એટલે દોડતો આવ્યો તમને મળવા. ઘણી વાર બધા યાદ આવે, મમ્મી-પપ્પાની તબિયત કેવી હશે? સૌ કુશળ તો હશે ને? આંખો ભરાઇ આવે..." રાજુ આગળ ન બોલી શક્યો... એની આંખો ભરાઇ આવી. હસિતે રાજુ ના ખભા પર હાથ મૂક્યો, વિચાર્યું એને જે કઈ સાંત્વના મળે.

રાજુની વાત સાંભળી હસિત ને મન માં ઘણું દુઃખ લાગ્યું. પોતે પણ કઇ બોલી ન શક્યો. એને રાજુનેે ઘણું કહેવું હતું, પણ અત્યારે? એનું મન ન માન્યું એટલે રાજુ સાથે બીજી થોડી આડી-અવળી વાતો કરી, હાથ મિલાવી છૂટા પડ્યા. વિચારો ના વા-વંટોળ સાથે, આવ્યો હતો એના કરતા થોડા ભારે દિલે, પોતે પણ ઘર તરફ રવાના થયો.

કાનન
૪/૧૭/૨૦૦૮

5 comments:

JD said...

Very much sentimental ..
I liked , "ઘરથી આટલે દૂર કોઇક ઘરની નજીક રહેતું મળે તે કેવું લાગે તે તો જેને ઘરથી દૂર રહેવું પડે એને જ ખબર હોય ને", the most ..

Bhavesh said...

Bahu saras ... aa sathe apna blog par laghu katha na ek nava adhyay na sri ganesh thaya :) hope people will take cue from this. marvelous effort.

TROJAN SPIRIT said...

Mavelous Post..Amazing..Dil na undaan ma utri gayee aa varta !!

By the way,I have started a new blog where you can show your creativity and sense of humor to others. Please post your comments in my blog:

http://kissplease.blogspot.com/

(This is not a spam comment..This is also not a porn blog.)

Thanks,

Trojan

chinmai said...

hey kanan its a masterpiece.. awesome... m awestruck with such a great piece of writing.. gr8 going buddy,....

Kanan said...

જયદીપ, ભાવેશ, Trojan, ચિન્મયી, આપ સૌનો આભાર. તમને મારું લખાણ ગમ્યું જાણી ને ઘણો આનંદ થયો. :)